Thursday, May 21, 2015

Diabetes

ડાયાબિટીસ એટલે શું?
 
મધુપ્રમેહ અથવા ડાયાબિટીસનો રોગ પ્રાચીન સમયથી જાણીતો છે. આયુર્વેદમાં મધુપ્રમેહ એટલે કે મીઠી પેશાબનો રોગ વર્ણવેલ છે. આયુર્વેદમાં મધુપ્રમેહના લક્ષણોમાં મીઠીપેશાબ, અશક્તિ, ગુમડા, ગેંગ્રીન (શરીરનો કોઇ ભાગ સડી જો અને મૃત થઇ જવો) અને ઘેન ગણાવવામાં આવ્યા છે.
 
લોહીમાં ગ્લુકોઝ (સુગર અથવા સાકર)નું પ્રમાણ વધી જવું અને પેશાબમાં ગ્લુકોઝ વહી જવો એ ડાયાબિટીસનું મુખ્ય લક્ષણ છે. અહીં થોડા પ્રશ્નો ઉભા થાય છે. ગ્લુકોઝ શું છે ? આપણા ખોરાકમાં તો રોટલી-દાળ-ભાત-શાક લેવામાં આવે છે તો આ ગ્લુકોઝ ક્યાંથી આવે છે ? જો ડાયાબિટીસના દર્દીમાં સુગર વધી જતી હોય તો પછી તંદુરસ્ત માણસમાં એ સુગર નિયત પ્રમાણમાં કઇ રીતે રહે છે ? આ બધા સવાલના જવાબ મેળવવા આપણે પાચનક્રિયા અને બ્લડ સુગરનું નિયમન કઇ રીતે થાય છે તે આગળ સમજીએ....


ખોરાક આપણને શક્તિ અને જરૂરી પોષક દ્રવ્યો જેવા કે વિટામીન્સ, મીનરલ્સ, (ક્ષાર જેવા કે આર્યન (લોહ), ઝીંક વગેરે આપે છે. ખોરાકને અલગ અલગ વિભાગમાં વિભાજીત કરી શકાય (૧) કાર્બોહાઇડ્રેટસ (સ્ટાર્ચ) (ર) પ્રોટીન્સ (૩) ચરબી (ફેટ) અથવા તૈલી પદાર્થો વગેરે.
 
ખોરાકમાં રહેલા આ પદાર્થો લોહીમાં ભળી ન શકે. વળી આ પદાર્થોનું શરીરના કોષ (Cell) દ્વારા ઇંધણમાં રૂપાંતર ન થઇ શકે. આથી લોહીમાં ભળી શકે અને ઇંધણમાં રૂપાંતર થઇ શકે એ માટે આપણાંજઠ્ઠર, આંતરડા તથા સ્વાદુપિંડમાંથી ઝરતા પાચકરસો દ્વારા ખોરાકનું સાદા અને લોહીમાં ભળી શકે એવા નાના અને સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે. કાર્બોહાઇડ્રેટ અથવા સ્ટાર્ચનું રૂપાંતર ગ્લુકોઝમાં, પ્રોટીન્સનું એમીનો એસીડમાં અને ચરબીનું ફેટી એસીડ તથા ગ્લીસેરોલમાં પરિવર્તન થાય છે. આ પદાર્થો નાના આંતરડામાં સહેલાઇથી લોહીમાં ભળી જાય છે અને આખા શરીરને પહોંચતા થાય છે.
 
ગ્લુકોઝ એ કુદરતે બનાવેલ જાદુઇ પદાર્થ છે જે દરેક પ્રાણીને શક્તિ આપે છે. આપણા માટે પણ ગ્લુકોઝ એ શરીરનું ઇંધણ છે. આપણું મગજ માત્ર ગ્લુકોઝ જ શક્તિ માટે વાપરી શકે છે. થોડી જ મિનિટો ગ્લુકોઝ જો મગજને ન મળે તો તેને નુકશાન પહોંચે. આથી આપણા શરીરના દરેક કોષને શક્તિ પુરી પાડવા અને મગજને સતત ગ્લુકોઝ મળતું રહે એ માટે શરીરમાં ગ્લુકોઝનું નિયંત્રણ કરવામાં આવે છે. આપણે એ પ્રક્રિયાને સમજીએ જેથી ડાયાબિટીસ કઇ રીતે થાય છે તે સમજી શકાય. લોહીમાં ગ્લુકોઝની માત્રાનું નિયમન કરવામાં સ્વાદુપિંડ અને ઈન્યુલીનનો મહત્વનો ફાળો છે.


સ્વાદુપિંડનું કાર્ય : પેટમાં જઠરની પાછળસ્વાદુપિંડ (Pancreas) નામની અંતઃસ્ત્રાવી ગ્રંથી આવેલી છે. જેનો સ્ત્રાવ સીધો લોહીમાં ભળે છે. આ સ્વાદુપિંડનો મોટો ભાગ પાચકરસ બનાવે છે. આ પાચકરસ બનાવતા કોષોની વચ્ચે આઇલેટસ ઓફ લેંગરહાનના કોષો આવેલ છે. આ કોષ બે પ્રકારના હોય છે. બીટા(Beta) કોષમાંથી ઈન્સ્યુલીન નામનો હોર્મોન બને છે. આ હોરમોન સીધો લોહીમાં ભળી જાય છે અને લોહી વાટે શરીરના દરેક કોષ સુધી પહોંચે છે.
 
ઈન્સ્યુલીનનું કાર્ય : શરીરનું કાર્ય યોગ્ય થતું રહે તે માટે ગ્લુકોઝનો એકધારો અને અવિરત પુરવઠો મળતો રહે એ અત્યંત આવશ્યક છે. શરીરના દરેક કોષ (Cell)ને ગ્લુકોઝની જરૂર હોય છે. આ કોષની દિવાલમાંથી ગ્લુકોઝને કોષમાં જવાની ચાવી તરીકે ઈન્સ્યુલીન કરે છે.
 
શરીરના દરેક કોષ ઈન્સ્યુલીન માટેના કેન્દ્રો હોય છે. જેમ તાળામાં ચાવી બંધ બેસતી હોય અને અંદર ગોઠવાઇને તાળું ખોલે છે તેમજ ઈન્સ્યુલીન શરીરના કોષના દરવાજા ખોલે છે અને આ દરવાજા ખુલ્યા પછી જ ગ્લુકોઝ કોષમાં જઇ શકે છે. એ પછી જ કોષને જોઇતું ઇંધણ મળે છે.

ડાયાબિટીસ કેવી રીતે થાય છે?
 
ડાયાબિટીસ શું છે ?: ડાયાબિટીસના રોગમાં ઈન્સ્યુલીન શરીરમાં બનતું નથી અથવા ઓછુ બને છે અથવા જે કંઇ બને છે તે અસરકારક નથી હોતું. આથી લોહીમાં આવેલ ગ્લુકોઝનું વિતરણ થઇ શકતું નથી. આ ગ્લુકોઝને શરીરના કોષમાં જવા માટેની ચાવીરૂપ ઈન્સ્યુલીન ન હોવાથી લોહીમાં તેનું પ્રમાણ વધવા લાગે છે. વળી વધારાના ગ્લુકોઝનો સંગ્રહ નથી થઇ શકતો.
 
લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધવાથી પેશાબમાં ગ્લુકોઝ આવે છે. જ્યાં સુધી લોહીમાં ૧૮૦ મીગ્રા/ડીએલ ગ્લુકોઝનું પ્રમાણ રહે છે ત્યાં સુધી પેશાબમાં નથી આવતું પણ ૧૮૦ મીગ્રા/ડીએલથી ઉપર જાય એટલે પેશાબમાં પણ ગ્લુકોઝ દેખાવા શરૂ થાય છે.

મધુપ્રમેહ મટશે?
 
ઘણા ડાયાબિટીસના દર્દીઓ રાહ જોઇએ બેઠા છે કે ક્યારે ડાયાબિટીસની સારવારમાં કંઇક નવી ચમત્કારિક શોધ થાય અને ડાયાબિટીસ મટી જાય કે ઈન્સ્યુલિનના ઇન્જેક્શન બંધ થાય કે કાયમી ખોરાકની પરેજી જાય. ડાયાબિટીસના ક્ષેત્રમાં દુનિયાભરમાં કરોડો ડોલરને ખર્ચે અનેક સંશોધન થઇ રહ્યાં છે અને ઘણી બધી સંસ્થાઓ, વૈજ્ઞાનિકો અને ડોક્ટરો સતત કાર્ય કરી રહ્યા છે. ડાયાબિટીસની મોટી મુશ્કેલી છે કે એકવાર થાય પછી દર્દીનો છેડો છોડતું નથી. ભવિષ્યમાં સ્વાદુપિંડના કોષોને જીવતા કરે એવી દવા આવશે કે જેનો મહિના, વર્ષ કે બે વર્ષ કોર્સ કર્યા બાદ ડાયાબિટીસ સંપૂર્ણપણે મટી જાય.
 
જેવી રીતે શરીરમાં કિડની બદલાવીને નવી મૂકી શકાય છે એમ, ભવિષ્યમાં સ્વાદુપિંડ બદલાવવાનું ઓપરેશન થઇ શકશે. સારવાર ડાયાબિટીસ ટાઇપ-૧ના બાળદર્દીઓ તથા વધુ પ્રમાણમાં ઈન્સ્યુલિન લેતા દર્દીઓ માટે વરદાનરૂપ બનશે.

ડાયાબિટીસ ટાઇપ-૧ને અટકાવી શકાય?
 
જાગૃતરહેવાથી ડાયાબિટીસ ટાઇપ-૧નું વહેલું નિદાન થઇ શકે છે પણ હાલના સંજોગોમાં તેને અટકાવવો મુશ્કેલ છે. ભવિષ્યના વર્ષોમાં એવી રસી ઉપલબ્ધ થશે જે ડાયાબિટીસ ટાઇપ-૧ના દર્દીના ભાઇ-બહેનને આપવાથી રોગને થતો અટકાવી શકાશે.
 
ડાયબિટીસ ટાઇપ-ર ને અટકાવી શકાય?
 
ડાયાબિટીસટાઇપ-ર, મોટી ઉંમરે થતી ચયાપચયની ક્રિયાની ખામી છે જેમાં શરીરમાં ઈન્સ્યુલિનના સ્ત્રાવની ખામી તથા ઈન્સ્યુલિનના કાર્ય સામે પ્રતિકાર જોવા મળે છે. રોગને સ્થૂળતા, બેઠાડુ જીવન અને માનસિક તાણ સાથે સંબંધ છે માટે તેનાથી દૂર રહેવું.

No comments:

Post a Comment